આપણે સૌ જાણીએ છીએ કે આપણી પૃથ્વી સુંદર છે. પણ ખરેખર કેટલી સુંદર છે?
રશિયાના કેટલાક ફોટોગ્રાફર્સે, પૃથ્વીનાં કેટલાંક સૌથી સુંદર કુદરતી અને માનવસર્જિત સ્થળોની મુલાકાત લઈને તેમના એરિયલ પેનોરમા તૈયાર કર્યા છે.
આ લેખમાં, એ તમામ પેનોરમા બતાવતી વેબસાઇટ, એ ફોટોગ્રાફર્સના અનુભવો, પેનોરમા જોવાની રીત, પેનોરમા તૈયાર કરવાની પદ્ધતિ, આકાશમાંથી દિલ્હીના અક્ષરધામને જોવાનો અનુભવ વગેરે બાબતો આવરી લેવાઈ છે.
આ બધું એક સોનાની સીડીમાં કોપી કરો અને પછી બ્રહ્માંડમાં દૂર દૂર મોકલવાનો હોય એવા સેટેલાઇટમાં એ સીડી મોકલી દો, જેથી બીજા ગ્રહો પર જીવો વસતા હોય તો એમને ખબર પડે કે આપણી પૃથ્વી કેવી અદભુત છે!’’
આપણી પૃથ્વીની પ્રશંસા કરવાની આ કેવી મજાની રીત! શબ્દો તો સરસ છે જ, પણ એમાં પહેલી જ લીટીમાં લખેલા ‘આ બધું’ શબ્દો પર આપણી નજર અટકવી જોઈએ. ‘આ બધું’ એટલું શું? ઉપરના શબ્દો લખનારે એવું તે શું જોયું કે તેને પૃથ્વીની અપાર વિવિધતાનો દિલને સ્પર્શે એવો પરિચય થયો?
આ શબ્દો એક વેબસાઇટ પર આપેલી ગેસ્ટબુકમાં યુકેના માર્ક સેન્સમ નામની કોઈ વ્યક્તિએ લખેલા છે. ગેસ્ટબુકમાં થોડા આગળ વધીએ તો ચીન, નેધરલેન્ડ્સ, ફ્રાન્સ, સ્પેન, ઇન્ડોનેશિયા, ભારત, બેલ્જીયમ, બ્રાઝિલ, ઈરાન વગેરે વગેરે દેશોના અનેક લોકોએ ઇંગ્લિશ અથવા પોતપોતાની ભાષામાં કંઈક ઉપર લખેલા શબ્દો જેવા જ અભિપ્રાય આપ્યા છેે….”અમેઝિંગ વર્ક…ટ્ર્રુલી બ્રિલિયન્ટ… વોટ એ વન્ડરફૂલ વર્લ્ડ… એક્સલેન્ટ… ફેન્ટાસ્ટિક… બ્યુટિફૂલ… વાઉ… સિમ્પલી બ્રેથટેકિંગ…’’
ફરી એ જ સવાલ પાછો થાય છે – આ સાઇટ પર, આટલા બધા દેશોના લોકોએ એવું તે શું જોયું કે પ્રશંસાનો આવો પારાવાર છલકાઈ ઉઠ્યો છે?
આ સવાલનો પૂરેપૂરો જવાબ તો તમે આ સાઇટ પર જશો અને તેના પર મૂકવામાં આવેલા અનેક એરિયલ ૩ડી પેનોરમા જોશો તો જ આવશે, અત્યારે આપણે આ સાઇટ પર શું છે, આપણે એ કેવી રીતે પૂરેપૂરું માણી શકીએ, એ બધું કેવી રીતે સર્જવામાં આવ્યું છે, એના સર્જકો કોણ છે અને આ સર્જનક્રિયા કરતી વખતના તેમના અનુભવો કેવા રહ્યા વગેરે જાણી લઈએ.