May 30, 2020
0
હવે ગુજરાતના ખેડૂતો 31 ઓગસ્ટ 2020 સુધીમાં ટૂંકી મુદતનું પાક ધિરાણ પરત ભરપાઈ કરી શકશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની રજૂઆત પ્રમાણે ભારત સરકારે આ મુદ્દત વધુ ત્રણ મહિના માટે એટલે સુધી વધારી આપી છે. રૂપાણીએ કોરોના વાયરસને કારણે પ્રવર્તમાન લૉકડાઉનની સ્થિતિમાં ખેડૂતોના પાક વેચાણને પડેલી અસરથી બેન્કોમાંથી લીધેલી ટૂંકી મુદ્દતનું ધિરાણ 31મી માર્ચ-2020 સુધીમાં ભરપાઈ કરી શકે તેમ ન હોઇ, અગાઉ આ મુદ્દત 31મી મે સુધી લંબાવવા રજૂઆત કરી હતી.
ખેડૂતોને સાત ટકાના દરે પાક ધિરાણને બદલે શૂન્ય ટકા વ્યાજે આવું ધિરાણ આપીને ત્રણ ટકા ભારત સરકાર અને ચાર ટકા રાજ્ય સરકાર ભોગવે છે. મુખ્યમંત્રીએ અગાઉ કરેલી રજૂઆત મુજબ ભારત સરકારે 31મી મે સુધી એટલે કે બે મહિના માટે ખેડૂતોને ધિરાણ ભરપાઈ કરવાની મુદ્દત વધારી આપી હતી અને રાજ્યના 24 લાખથી વધુ ખેડૂતોને તેનો લાભ મળ્યો હતો.
વધારાના સમયના વ્યાજનું 160 કરોડનું ભારણ પણ રાજ્ય સરકારે વહન કર્યું છે. રાજ્યના કેટલાક ખેડૂતોએ તેનો લાભ લીધો હતો. મુખ્યમંત્રી સમક્ષ રાજ્યના કિસાન અગ્રણીઓ તથા ખેડૂતોએ રજૂઆત કરી હતી કે, આવા પાક ધિરાણ લોન ભરપાઈ કરવાની મુદ્દત જો વધુ ત્રણ માસ લંબાવી આપવામાં આવે તો બાકી રહી ગયેલા ખેડૂતો પણ ધિરાણ ભરપાઈ કરી શકે અને આગામી ખરીફ ઋતુ માટે પાક ધિરાણનો લાભ મેળવી શકે.
રૂપાણીએ ખેડૂતોની આ રજૂઆત ભારત સરકાર સમક્ષ કરતાં ભારત સરકારે ખેડૂતોના ધિરાણની ભરપાઈ માટેનો મોરેટોરિયમ પીરીયડ વધુ ત્રણ માસ એટલે કે 31મી ઓગષ્ટ કરી આપવાનો નિર્ણય કર્યો છે.
Share to other apps